Crime File | Pon Navarasu| by Author Meet Danidhariya | Sandesh News Gujarati

એક કપાયેલું માથું, લોહીના અદૃશ્ય ડાઘા અને મેડિકલ કોલેજમાં રેગિંગનો ખૂની ખેલ : Pon Navarasu Case

સંદેશ અખબાર ૰ અર્ધ સાપ્તાહિક | ક્રાઇમ ફાઇલ ૰ મીત દાણીધારિયા

નવેમ્બર 1996ની એ ઠંડી સાંજ ચિદમ્બરમની અન્નામલાઈ યુનિવર્સિટી માટે કંઈક અલગ જ સંદેશ લઈને આવી હતી, જેની કલ્પના કોઈએ સ્વપ્ને પણ કરી નહોતી.

18 વર્ષનો નવજુવાન પોન નવરાસુ, જે તમિલનાડુ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સીસના તત્કાલીન વાઇસ ચાન્સેલર ડો. પી. કે. પોનુસામીનો પુત્ર હતો, તે મેડિકલના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવીને પોતાની આંખોમાં સેંકડો સપનાંઓ લઈને આ કેમ્પસમાં આવ્યો હતો. અભ્યાસનો ઉત્સાહ અને ડૉક્ટર બનીને લોકોની સેવા કરવાની તમન્ના તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી, પરંતુ તેને ખબર નહોતી કે આ કેમ્પસની મુથૈયા મેડિકલ કોલેજની કે. આર. એમ. હોસ્ટેલના રૂમ નંબર 319માં એક વ્યક્તિ તેના માટે મોતનો સકંજો ફેલાવીને રાહ જોઈ રહ્યો છે.

6 નવેમ્બર, 1996ના રોજ બપોરે આશરે 2.00 વાગ્યાની આસપાસ નવરાસુ છેલ્લી વાર જીવતો દેખાયો હતો. સાંજનો સમય હતો અને હોસ્ટેલના પરિસરમાં રોજિંદી ચહલપહલ હતી, પરંતુ નવરાસુ અચાનક ગાયબ થઈ ગયો. જ્યારે મોડી રાત સુધી તે પાછો ન આવ્યો અને બીજા દિવસે પણ તેનો કોઈ પત્તો ન લાગ્યો, ત્યારે ડો. પોનુસામીની ચિંતા વધી ગઈ. તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો, પણ કોઈને અંદાજ નહોતો કે સત્ય એટલું ભયાનક હશે કે તે જાણ્યા પછી અનુભવી પોલીસ અધિકારીઓનાં પણ રૂંવાડાં ઊભાં થઈ જશે.

હોસ્ટેલના એ અંધારિયા અને ગૂંગળામણભર્યા રૂમ નંબર 319માં જોન ડેવિડ નામનો સિનિયર વિદ્યાર્થી નવરાસુની રાહ જોઈ રહ્યો હતો. જોન ડેવિડ કેમ્પસમાં તેના આક્રમક સ્વભાવ અને રેગિંગના વિકૃત શોખ માટે કુખ્યાત હતો. નવરાસુ જ્યારે તેના રૂમમાં પ્રવેશ્યો ત્યારે જોન ડેવિડે તેને અમાનવીય રીતે હેરાન કરવાનું અને ગંભીર રેગિંગ કરવાનું શરૂ કર્યું. તે સમયે રેગિંગ એક અલિખિત કાયદા જેવું હતું અને જોન ડેવિડ જેવા સિનિયરો માટે તે માનસિક વિકૃતિ સંતોષવાનું સાધન હતું. તેણે નવરાસુને પાયજામો ઉતારવા, પોતાનાં ગંદાં પગરખાં સાફ કરવાં અને કેટલાંક એવાં બીભત્સ કૃત્યો કરવા મજબૂર કર્યો, જે કોઈ પણ આત્મસન્માન ધરાવતી વ્યક્તિ માટે મરવા સમાન હતાં. નવરાસુ, જે એક શિસ્તબદ્ધ પરિવારમાંથી આવતો હતો, તેણે જ્યારે આ અત્યાચારનો મક્કમતાથી પ્રતિકાર કર્યો અને જોન સામે નમવા તૈયાર ન થયો, ત્યારે જોન ડેવિડનો અહંકાર ઘવાયો. નમ્ર નવરાસુનો ઇનકાર જોન માટે યુદ્ધનું એલાન બની ગયો. ગુસ્સામાં પાગલ બનેલા જોને નવરાસુના માથા પર જોરદાર પ્રહાર કર્યો. નવરાસુ જમીન પર બેભાન અવસ્થામાં ફસડાઈ પડ્યો, પણ જોન ડેવિડની ક્રૂરતાનો અંત નહોતો આવ્યો. તેણે સ્ટેનલેસ સ્ટીલના ચપ્પાની મદદથી નવરાસુનું માથું અને હાથ-પગ ધડથી અલગ કરી નાખ્યાં. આ જઘન્ય હત્યા કર્યા બાદ તેણે નવરાસુની સોનાની વીંટી, ઘડિયાળ અને સોનાની ચેઈન પણ ઉતારી લીધાં હતાં.

હત્યા પછીની એ ક્ષણો કોઈ પણ પ્રોફેશનલ કિલરને પણ શરમાવે તેવી હતી. જ્યારે જોન ડેવિડને ભાન થયું કે નવરાસુનું મૃત્યુ થઈ ગયું છે, ત્યારે ગભરાવાને બદલે તેણે અત્યંત ઠંડા કલેજે પુરાવા નષ્ટ કરવાની યોજના બનાવી. તેણે મેડિકલના અભ્યાસ દરમિયાન શીખેલા શરીરરચનાના જ્ઞાનનો ઉપયોગ કરીને લાશના 10 ટુકડા કરવાનું શરૂ કર્યું. તેણે આરી અને છરી વડે નવરાસુના માથાને ધડથી અલગ કર્યું, હાથ-પગ કાપ્યા અને ધડના પણ ભાગ કર્યા. લોહીલુહાણ થયેલો આખો રૂમ સાફ કર્યો અને નવરાસુનાં કપડાં તેણે હોસ્ટેલની ખુલ્લી અગાશી પર જ સળગાવી દીધાં.

ત્યારબાદ તેણે નવરાસુનું કપાયેલું માથું અને લૂંટેલી સોનાની વસ્તુઓ એક ઝિપ બેગમાં ભરી અને હોસ્ટેલ પાસેની નહેરમાં ફેંકી દીધાં. શરીરના બાકીનાં અંગો તેણે અલગ-અલગ બેગમાં ભરી દીધાં. તે ટ્રેન દ્વારા ચેન્નાઈ (મદ્રાસ) જવા નીકળ્યો. જ્યારે ટ્રેન કડ્ડાલોર પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે તેણે નદીમાં હાથ-પગ ફેંકી દીધા અને બાકીનું ધડ તાંબરમ પહોંચીને એક બસમાં બિનવારસી હાલતમાં છોડી દીધું. જોન ડેવિડને ખાતરી હતી કે `નો બોડી, નો ક્રાઈમ’ના સિદ્ધાંત મુજબ તે બચી જશે.

જોન ડેવિડે આ હત્યા માત્ર ગુસ્સામાં જ નહોતી કરી, પણ તેણે નવરાસુની અંગત કીમતી ચીજવસ્તુઓની પણ લૂંટ કરી હતી. નવરાસુના મૃત શરીર પરથી તેણે `Pon Navarasu’ નામ કોતરેલી સોનાની ચેઈન, તેની કીમતી કાંડા ઘડિયાળ અને એક સોનાની વીંટી કાઢી લીધી હતી. આ ચીજો તેણે એ જ બેગમાં મૂકી હતી જેમાં તેણે નવરાસુનું કપાયેલું માથું પેક કર્યું હતું. પોલીસને આ નહેરમાંથી માથાની સાથે આ દાગીનાઓ પણ મળી આવ્યા, જેણે કોર્ટમાં એક સબળ કડી તરીકે કામ કર્યું. આરોપીએ નવરાસુનાં લોહીવાળાં કપડાંને હોસ્ટેલની અગાશી પર ફેંકીને સળગાવ્યાં હતાં, જેના અવશેષો પોલીસે જપ્ત કર્યા હતા. આ વિગતો દર્શાવે છે કે ગુનો કર્યા પછી જોન ડેવિડ કેટલો શાંત અને ગણતરીબાજ હતો, તેણે દરેક પુરાવાને મિટાવવા માટે એક ચોક્કસ યોજના અમલમાં મૂકી હતી.

પોલીસ ઇન્વેસ્ટિગેશનની શરૂઆત અંધારામાં તીર મારવા જેવી હતી, કારણ કે શરૂઆતમાં કોઈ સાક્ષી નહોતો, પરંતુ 10 નવેમ્બર, 1996ના રોજ તાંબરમ પાસે બસમાંથી એક બિનવારસી સૂટકેસ મળી જેમાં માનવ ધડ હતું અને 11 નવેમ્બરે મૈલાદુથુરાઈ પાસેની નહેરમાંથી એક માનવ માથું મળી આવ્યું. પોલીસે ડો. પોનુસામીને ઓળખ માટે બોલાવ્યા. એક પિતા માટે પોતાના પુત્રનું કપાયેલું માથું જોવું એ પૃથ્વી પરનો સૌથી મોટો આઘાત હતો. માથાની ઓળખ થઈ ગઈ, પણ શરીરના ટુકડાઓ અલગ-અલગ જગ્યાએ હોવાથી તપાસ જટિલ હતી. તત્કાલીન એસ.પી. પીએસ. રામમોહન રાવ અને ઈન્સ્પેક્ટર આર. શ્રીધરને તપાસ અધિકારીઓ તરીકે હોસ્ટેલના વિદ્યાર્થીઓની કડક પૂછપરછ શરૂ કરી. જોન ડેવિડનું નામ વારંવાર સામે આવતું હતું. પોલીસે તેના રૂમની તપાસ કરી ત્યારે જોને બધું સાફ કરી નાખ્યું હોવા છતાં, ફોરેન્સિક એક્સપર્ટ્સની ટીમે અંધારામાં આખા રૂમમાં લ્યુમિનોલ કેમિકલનો છંટકાવ કર્યો. લાઈટો બંધ થતાં જ દીવાલો અને ફર્નિચરના ખૂણામાં લોહીના અદૃશ્ય ડાઘા અંધારિયા આકાશમાં જેમ તારાઓ ચમકે તેમ ચમકવા લાગ્યા. આ વૈજ્ઞાનિક પુરાવાએ જોન ડેવિડના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો.

તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી વિગત બહાર આવી કે જોન ડેવિડે આ જઘન્ય હત્યા બાદ પોતાની `અલીબાઈ’ એટલે કે ઘટના સ્થળે હાજર ન હોવાનો પુરાવો ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે એવી રીતે વર્તવાની કોશિશ કરી જાણે તે સામાન્ય રીતે તેની દૈનિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતો, પરંતુ પોલીસની વૈજ્ઞાનિક તપાસ અને તેના રૂમમાંથી મળેલા લોહીના નમૂનાઓએ તેના આ ભ્રમને તોડી નાખ્યો. જ્યારે પોલીસ તેને કડ્ડાલોર નદી પાસે લઈ ગઈ, ત્યારે તેણે પોતે જ એ સ્થળ બતાવ્યું હતું જ્યાં તેણે નવરાસુના હાથ અને પગ ટ્રેનમાંથી ફેંક્યા હતા. ભારતીય પુરાવા અધિનિયમની કલમ 27 હેઠળ આરોપીની આ પ્રકારની `રિકવરી’ કોર્ટમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ પુરાવો માનવામાં આવે છે. જોન ડેવિડની કબૂલાતના આધારે થયેલી આ અંગોની પુનઃ પ્રાપ્તિએ પ્રોસિક્યુશનના કેસને પથ્થર જેવો મજબૂત બનાવી દીધો હતો.

જોન ડેવિડની 17 નવેમ્બર, 1996ના રોજ ધરપકડ કરવામાં આવી. શરૂઆતમાં તે મૌન રહ્યો, પણ પોલીસની આગવી પદ્ધતિ અને લ્યુમિનોલ ટેસ્ટના રિપોર્ટ સામે તે ભાંગી પડ્યો અને આખી ક્રૂરતા કબૂલી લીધી. તેના કહેવા મુજબ પોલીસે બસ રૂટ અને નદીમાંથી શરીરનાં અન્ય અંગો પણ રિકવર કર્યાં. આ આખું ઓપરેશન ભારતીય ક્રાઈમ હિસ્ટ્રીમાં એક સીમાચિહ્નરૂપ તપાસ બની ગયું. 1997માં શરૂ થયેલી કોર્ટની કાર્યવાહીમાં પ્રોસિક્યુશને 87 સાક્ષીઓ રજૂ કર્યા. કુડ્ડાલોરની સેશન્સ કોર્ટે 11 માર્ચ, 1998ના રોજ ઐતિહાસિક ચુકાદો આપતાં જોન ડેવિડને ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને 201 (પુરાવા નષ્ટ કરવા) હેઠળ દોષિત ઠેરવીને બેવડી આજીવન કેદની સજા ફટકારી.

જોકે, આ લડાઈ અહીં પૂરી નહોતી થઈ. 2001માં જોન ડેવિડે મદ્રાસ હાઈકોર્ટમાં અપીલ કરી. હાઈકોર્ટે પુરાવાઓની સાંકળમાં કેટલીક કડીઓ ખૂટતી હોવાનું અને લ્યુમિનોલ ટેસ્ટ જેવી નવી ટેક્નોલોજી પર શંકા દર્શાવીને જોન ડેવિડને નિર્દોષ જાહેર કર્યો. જોન ડેવિડ જેલની બહાર આવી ગયો અને બેંગલોરમાં આઈટી કંપનીમાં નોકરી કરવા લાગ્યો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણયની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે, હાઈકોર્ટે મેડિકલ પુરાવાઓ અને સંજોગવસાત્ પુરાવાઓની સંપૂર્ણ અવગણના કરી હતી. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે કપાયેલું માથું અને ધડ એક જ વ્યક્તિના હોવાનું ડીએનએ (DNA) અને સુપર-ઇમ્પોઝિશન ટેસ્ટ દ્વારા સાબિત થયું હતું, છતાં હાઈકોર્ટે તેને નજરઅંદાજ કર્યું. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ભારતીય કાયદાકીય ઇતિહાસમાં એક મહત્ત્વનું ઉદાહરણ બન્યું કે કેવી રીતે ઉચ્ચ અદાલતો પણ પુરાવાઓના મૂલ્યાંકનમાં ગંભીર ક્ષતિ કરી શકે છે.

આ કેસનો અંતિમ ચુકાદો 20 એપ્રિલ, 2011ના રોજ આવ્યો ત્યારે જસ્ટિસ ભંડારીએ જોન ડેવિડને તાત્કાલિક જેલભેગો કરવાનો હુકમ કર્યો હતો. આ કેસ માત્ર પોન નવરાસુની હત્યાનો નહોતો, પણ કેમ્પસ સંસ્કૃતિમાં વ્યાપેલી હિંસાના અંતની શરૂઆત હતી. આ ઘટનાના પડઘા એટલા તીવ્ર હતા કે તે સમયે તમિલનાડુ સરકારે ઉતાવળમાં એન્ટિ-રેગિંગ વટહુકમ બહાર પાડવો પડ્યો, જે 1997માં કાયદો બન્યો. આજે પોન નવરાસુ માત્ર એક નામ નથી, પણ કેમ્પસ હિંસા સામેની લડાઈનું પ્રતીક છે. આ કિસ્સો એ પણ સાબિત કરે છે કે જો ગુનેગાર ભલે ગમે તેટલો ભણેલો-ગણેલો કે હોશિયાર હોય, કાયદાના લાંબા હાથ તેના સુધી પહોંચી જ શકે છે. નવરાસુના પિતાની અડગ લડત અને સત્યની જીત એવા લાખો વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ બની રહી જેઓ દર વર્ષે રેગિંગનો ભોગ બને છે.

You Can Read This article on Sandesh News’s website also : https://sandesh.com/supplement/news/ardhasaptahik/a-severed-head-invisible-blood-stains-and-a-murderous-game-of-ragging-in-a-medical-college

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *