The Crime story of Hubba Shyamal - Dawood Ibrahim of Hooghly (Part 2)

ધ દાઉદ ઓફ હુગલી, સમાધાન કરવા પહોંચ્યો અને તેના જ વફાદારે તેને છરી ભોંકી દીધી

The Crime story of Hubba Shyamal – Dawood Ibrahim of Hooghly (Part 2)

2005ની એ હાઈ-પ્રોફાઇલ ધરપકડ પછી, હુબ્બા શ્યામલ લગભગ બે વર્ષ જેલમાં રહ્યો. કોલકાતાની જેલ તેના માટે કોઈ કેદખાનું નહીં, પણ એક `રિટ્રીટ સેન્ટર’ અથવા `વર્ક ફ્રોમ જેલ’ ઓફિસ સમાન હતી. જેલના સળિયા પણ તેની સત્તાને રોકી શક્યા નહોતા. તે અંદરથી જ મોબાઈલ ફોન દ્વારા પોતાના સિન્ડિકેટનું સંચાલન કરતો હતો. જોકે, 2007માં જ્યારે તે જામીન પર મુક્ત થઈને હુગલીના પોતાના ગઢમાં પાછો ફર્યો, ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ચૂકી હતી. તેની લાંબી ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને તેનો જમણો હાથ ગણાતો રમેશ મહતો હવે પોતે એક સ્વતંત્ર અને શક્તિશાળી ડોન બની ગયો હતો. શ્યામલની ગેંગના અનેક ખતરનાક શૂટરો અને વફાદાર બાતમીદારો હવે મહતોના ઈશારે નાચતા હતા. શ્યામલને તરત સમજાઈ ગયું કે હવે તેણે પોતાની જૂની સત્તા અને ખોફ પાછા મેળવવા માટે માત્ર બહારના દુશ્મનો જ નહીં, પણ પોતાના જ જૂના સાથીઓ સામે પણ લોહી રેડવું પડશે. The Crime story of Hubba Shyamal – Dawood Ibrahim of Hooghly (Part 2)

2007 થી 2010નો આ સમયગાળો હુગલીના ઈતિહાસમાં શ્યામલ અને મહતો વચ્ચેના એક અદૃશ્ય `શીતયુદ્ધ’નો સાક્ષી રહ્યો. શ્યામલે રિયલ એસ્ટેટના ગંદા વ્યવસાયમાં ફરીથી અત્યંત આક્રમક રીતે પગ જમાવ્યો. તે સમયે દક્ષિણ હુગલીના વિસ્તારોમાં જમીનોના ભાવ આસમાને હતા અને બાંધકામની અભૂતપૂર્વ તેજી હતી. શ્યામલે બિલ્ડરો પર દબાણ વધાર્યું અને દરેક પ્રોજેક્ટમાં તોતિંગ કમિશન વસૂલવાનું શરૂ કર્યું. તેની ધાક એવી હતી કે જો કોઈ ગરીબ જમીનમાલિક સોદો કરવાની જરા પણ આનાકાની કરતો, તો શ્યામલ પોતે પોતાની સફેદ ઓમ્ની કારમાં ત્યાં પહોંચી જતો અને જાહેરમાં પિસ્તોલ બતાવીને તેને પળવારમાં પ્લોટ ખાલી કરવા મજબૂર કરતો. તે હવે માત્ર સાધારણ ગુંડો દેખાવા માંગતો નહોતો, તેણે કોલકાતાના સૌથી મોંઘા દરજીઓ પાસે સફેદ ઇસ્ત્રીબંધ કુર્તા-પાયજામા તૈયાર કરાવ્યા અને બ્રાન્ડેડ સનગ્લાસ પહેરવાનું શરૂ કર્યું. તે એક `બિઝનેસ ટાયકૂન’ અને `રોબિન હૂડ’ના મિશ્રણ જેવો ઠાઠ જાળવતો. તેની આ અઢળક અને કાળી કમાણીથી તેણે પોતાની બંને પત્નીઓ, તાપસી અને મિતાલીની દીકરીઓને કોલકાતાની પ્રતિષ્ઠિત અભિજીત અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં મોકલી, જેથી તેના લોહીથી ખરડાયેલા ભૂતકાળની છાયા તેનાં બાળકો પર ન પડે અને તેમને સમાજમાં માન-સન્માન મળે.

હુબ્બા શ્યામલની રાજકીય મહત્ત્વાકાંક્ષા આ સમયે તેની ટોચ પર હતી. તેને સમજાઈ ગયું હતું કે પોલીસ અને સી.આઈ.ડી.ના સકંજામાંથી કાયમી બચવા માટે કાયદાનું જ કવચ ધારણ કરવું જરૂરી છે. 29 એપ્રિલ, 2009ના રોજ જ્યારે તેણે કોન્નગાર નગરપાલિકામાં પોતાની ઉમેદવારી નોંધાવી, ત્યારે આખું શહેર થંભી ગયું હતું. 2011માં તેણે રિશ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 2માંથી કાઉન્સેલર બનવા માટે જે તાકાતનું પ્રદર્શન કર્યું તે અભૂતપૂર્વ હતું. 50થી 60 લક્ઝરી કાર અને 100થી વધુ બાઇકોના લાંબા કાફલા સાથે, હજારો સમર્થકોના નારાઓ વચ્ચે જ્યારે તે શ્રીરામપુર વહીવટી કચેરીએ પહોંચ્યો. ત્યારે રાજકીય પક્ષોના મોટા નેતાઓને પણ પરસેવો છૂટી ગયો હતો. રમેશ મહતો આ રાજકીય ઉદયનો અંદરખાને સખત વિરોધ કરી રહ્યો હતો, કારણ કે જો શ્યામલ સત્તાવાર નેતા બની જાય, તો ગેંગ પર મહતોનું વર્ચસ્વ કાયમ માટે ખતમ થઈ જાય તેમ હતું.

શ્યામલની ત્રીજી અને અંતિમ સત્તાવાર ધરપકડ 20 ફેબ્રુઆરી, 2011ના રોજ ડાંકુનીના જગન્નાથપુરમાં ગ્રાન્ડ ટ્રંક રોડ પરની એક હોટલ પાસે થઈ. આ વખતે પોલીસ ફાઈલમાં તેની સામેના આરોપોની યાદી લાંબી થઈને 52 સુધી પહોંચી હતી, જેમાં 26 માત્ર હત્યાના અત્યંત ગંભીર કેસો હતા. તેની પાસેથી લોડેડ રિવોલ્વર અને મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો. તેના પર ગાડીઓની ચોરી કરવાથી લઈને નગરપાલિકાની ઈમારતોમાં તોડફોડ કરવા સુધીના ગુનાઓ દાખલ હતા. તેમ છતાં તેની સત્તા અને પૈસાના જોરે તે ફરી એકવાર જામીન મેળવીને બહાર આવવામાં સફળ રહ્યો. જેલમાંથી છૂટ્યા પછી શ્યામલને ખાતરી થઈ ગઈ હતી કે રમેશ મહતો હવે તેની ગેંગને અંદરથી પોલી કરીને ખાઈ રહ્યો છે. ગેંગના આંતરિક વિવાદો અને `પૈસાની વહેંચણી’ને લઈને બંને વચ્ચેની ખાઈ એટલી ઊંડી થઈ ગઈ હતી કે હવે વાતચીતથી ઉકેલ આવવો અશક્ય હતો.

29 મે, 2011નો એ દિવસ શ્યામલના લોહિયાળ જીવનની આખરી રાત સાબિત થયો. તે દિવસે હુબ્બા શ્યામલ તમામ વિવાદોનો અંત લાવવા માટે રિશ્રામાં આવેલા રમેશ મહતોના ગુપ્ત એપાર્ટમેન્ટમાં ગયો હતો. તેને પોતાની તાકાત અને મહતો સાથેના દાયકાઓ જૂના સંબંધો પર એટલો અંધવિશ્વાસ હતો કે તેણે પોતાના અંગરક્ષકોને નીચે જ રહેવા કહી દીધું. અંદર પ્રવેશતાં જ શ્યામલે પોતાની આગવી શૈલીમાં હસતાં હસતાં પૂછ્યું, `કેમ રમેશ, શું તું આજે મને મારી નાખવાનો છે? જો, હું એકલો આવ્યો છું.’ પણ શ્યામલની આ મજાક થોડી જ ક્ષણોમાં હકીકત બનવાની હતી. રૂમની અંદર રમેશ મહતોની સાથે શ્યામલનો જ એક સમયનો વફાદાર અને શૂટર નેપુ ગીરી અને અન્ય હથિયારધારી સાથીઓ પહેલેથી જ જાળ બિછાવીને બેઠા હતા. મહતોએ અત્યંત શાંતિથી પણ કઠોર અવાજે કહ્યું, `જો શ્યામલ, હવે આપણું સાથે ચાલવું અશક્ય છે. કાં તો તું દુનિયામાં રહીશ, કાં હું.’ આટલું કહીને મહતોએ નેપુ ગીરીને આંખથી ઈશારો કર્યો. The Crime story of Hubba Shyamal – Dawood Ibrahim of Hooghly (Part 2)

એક સમયે શ્યામલનો જ ખાસ માણસ નેપુ ગીરી, જે `હુબ્બા સ્ટાઈલ’માં જ હત્યા કરવા માટે પાવરધો હતો, તે જંગલી પશુની જેમ શ્યામલ પર તૂટી પડ્યો. શ્યામલ કંઈ સમજે કે પોતાની 9 એમએમની પિસ્તોલ બહાર કાઢે તે પહેલાં જ તેને દબોચી લેવામાં આવ્યો. 29 મેની એ રાત્રિ બાદ હુબ્બા શ્યામલ જાણે હવામાં ઓગળી ગયો હોય તેમ ગુમ થઈ ગયો. 30 મેના રોજ જ્યારે તેની પત્નીએ પોલીસ ફરિયાદ કરી, ત્યારે હુગલીમાં સન્નાટો છવાઈ ગયો હતો. પોલીસ અને સી.આઈ.ડી.એ આકાશ-પાતાળ એક કર્યા, પણ શ્યામલનો કોઈ જ પત્તો નહોતો.

છેવટે 2 જૂન, 2011ની વહેલી સવારે બૈદ્યબાટીની એક નહેરમાં કાદવ અને પાણી વચ્ચે એક લાશ તરતી જોવા મળી.

તે લાશની હાલત એટલી ભયાનક હતી કે તેને જોવી પણ મુશ્કેલ હતી. તેનું ગળું નિર્દયતાથી કાપેલું હતું, પેટ અને ચહેરા પર તીક્ષ્ણ હથિયારોના એટલા ઘા હતા કે તેની ઓળખ ભૂંસાઈ ગઈ હતી. આ હુબ્બા શ્યામલ જ હતો, જેને તેના જ શિષ્યોએ તેની જ શીખવેલી ક્રૂરતાથી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. શ્રીરામપુરની વોલ્શ હોસ્પિટલમાં જ્યારે તેના પરિવારે બુમરાણ મચાવી, ત્યારે આખા પશ્ચિમ બંગાળને ખબર પડી કે `હુગલીનો દાઉદ’ હવે નથી રહ્યો. તેની અંતિમયાત્રામાં હજારોની મેદનીને બદલે માત્ર સશસ્ત્ર પોલીસ જવાનોનો પહેરો હતો.

હુબ્બા શ્યામલના પતન પછી હુગલીના ગુનાહિત જગતમાં એક મોટી શૂન્યતા સર્જાઈ. જે રમેશ મહતોએ શ્યામલને રસ્તામાંથી હટાવ્યો હતો, તે પોતે પણ લાંબો સમય સત્તાનો આનંદ માણી શક્યો નહીં. પોલીસના વધતા દબાણ અને ગેંગના વિખરાઈ જવાને કારણે હુગલીનો એ `ગોલ્ડન પિરિયડ’ જે ગેરકાયદેસર કમાણી અને ખોફ પર આધારિત હતો, તે ધીરે ધીરે ઓસરી ગયો. જોકે, શ્યામલની આસપાસ જે અફવાઓ અને વાર્તાઓ વણાયેલી હતી, તે આજે પણ કોન્નગારની સાંકડી ગલીઓમાં જીવંત છે. લોકો આજે પણ એ સફેદ ઓમ્ની કારની વાત કરે છે, જેને જોઈને આખું શહેર થંભી જતું હતું.

શ્યામલના મૃત્યુ પછી પોલીસે ગણતરીના દિવસોમાં જ રમેશ મહતોની ધરપકડ કરી, જેણે કબૂલાત કરી કે તે શ્યામલના ઓછાયામાંથી બહાર નીકળીને પોતે આખા પટ્ટાનો એકમાત્ર બાદશાહ બનવા માંગતો હતો. હુબ્બા શ્યામલની આ જીવનગાથા એ વાતનો પુરાવો છે કે ગુનાની દુનિયામાં કોઈ કાયમી મિત્ર નથી હોતો અને લોહીથી લખાયેલો ઈતિહાસ હંમેશાં લોહીથી જ સમાપ્ત થાય છે. ગરીબીમાંથી ઊઠીને કરોડોનું સામ્રાજ્ય ઊભું કરનાર હુબ્બા શ્યામલ આજે માત્ર પોલીસની ફાઈલોમાં અને બ્રત્ય બાસુની ફિલ્મમાં એક રહસ્યમયી પાત્ર તરીકે કેદ છે. તેના પતન સાથે હુગલીમાં એક યુગનો અંત આવ્યો, જે યુગ માત્ર ડર, ઓમ્ની કાર અને `હુબ્બા’ના નામથી ઓળખાતો હતો. The Crime story of Hubba Shyamal – Dawood Ibrahim of Hooghly (Part 2)

Hubba Shyamal - Dawood Ibrahim of Hooghly

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *